આજના યુગમાં ગર્ભમાં દિકરી છે એવી ખબર પડતાં જ પરિવારજનો દ્વારા તેને મારી નાંખવાની રીત સામાન્ય થઈ ગઈ છે. ભૌતિકવાદના આ યુગમાં કોઈ પણ વાતનું મુલ્ય રુપિયાથી નક્કી કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે દીકરીનો જન્મ પણ ફાયદાકારક હોય તો જ પરિવારજનો તેને આવકારે, નહિ તો નહિ. દીકરી ઉછેરવી એટલે લગભગ વીસ વર્ષ સુધી તેની પાછળ investment(રોકાણ) કરવું અને ત્યારબાદ તેને કોઈને સોંપી દઈને (તેના લગ્ન કરીને) વ્યાજ અને મુદ્દલ બન્ને ગુમાવવા. આવો ખોટનો ધંધો કોણ કરે? અતિ સંકુચિત દૃષ્ટિના માણસો એટલું પણ નથી વિચારતા કે પોતાના દીકરાને અન્ય કોઈ પરિવાર પોતાની દીકરી આપે છે ત્યારે તો તેના લગ્ન શક્ય બને છે ! આજે સમાજ એટલો બધો સ્વાર્થી થયો છે કે બધાને ઘરમાં વહુ લાવવી છે પરંતુ કોઈને દીકરી પરણાવવી નથી માટે તો તેને ગર્ભમાં મારી નાખે છે ને ! જો બધાં જ આવું કરશે તો એક સમય એવો આવશે કે સમાજમાં મોટા ભાગે પુરુષો જ જોવા મળશે અને તેઓની અપૂર્ણ વાસનાને કારણે કુંવારી કન્યા પર જ નહિ, વૃદ્ધા પર પણ જાતીય અત્યાચારો થતાં હશે.
જુના કાળમાં ન જોઈતી દિકરી જન્મે તો એના બે પગ પકડીને ઊંધા માથે લટકાવી તેનું માથું દૂધ ભરેલા મોટા વાસણમાં રાખી, દીકરીને ડુબાડી-ગુંગળાવીને મારી નાખતા(દિકરીને ‘દુધપીતી’ કરતા). કાલાંતરે સમાજમાં દીકરીનું પ્રમાણ ઘટ્યું ત્યારે તેનું વેચાણ શરુ થયું. કન્યાની અછત સર્જાઈ હોવાથી વરનો બાપ કન્યાના બાપને રૂપિયા ગણીને દેતો ને પોતાના દિકરાને પરણાવતો. ભવિષ્યમાં પણ એવું જ બનવાનું ! કાં તો દિકરી દઈને સાટામાં વહુ લાવી શકશે અથવા તો ઊંચા દામે કન્યાને ખરીદીને તેની સાથે લગ્ન કરી શકશે. કન્યાના વેચાણના સારા રૂપિયા મળવાથી ફરીથી દિકરીના જન્મને આવકારવામાં આવશે. આથી પુનઃ દિકરીની સંખ્યા વધશે અને સ્ત્રી-પુરુષનું પ્રમાણ સરખુ થતું જણાશે. ટુંકી દૃષ્ટિનો સમાજ આવી રીતે ફરી-ફરીને ભૂલો કરતો-કરતો અને એના કારણે તમાચા ખાતો-ખાતો આગળ આવે છે. જ્યારે દીર્ઘદૃષ્ટા સમાજ ઓછી ભૂલો કરીને ઝડપથી વિકાસ કરે છે.
દિકરા-દિકરીના ઉછેરમાં જમીન-આસમાનનો તફાવત રાખનારા મા-બાપને દિકરાઓ તરછોડે છે જ્યારે દિકરી મા-બાપ માટે પહેલા પણ લાગણી ધરાવતી હતી અને આજે પણ ધરાવે છે. પરંતુ દિકરીના પરિવારજનો આ બાબતને હંમેશા અવગણે છે. દિકરીને ન્યાય અપાવવા શું થઈ શકે? કાયદો કરવાથી બેટી બચવાની નથી. ગર્ભની જાતિ તપાસવાનું કામ પરિવારજનો દ્વારા કે ડોક્ટર્સ દ્વારા અટકવાનું નથી કારણ કે ભૌતિકવાદ (ફાયદાવાદ-ભોગવાદ) માણસના મનનો કબજો લઈ બેઠો છે, જે સમાજમાંથી જવાનો નથી અને લાખો રુપીયા ખર્ચીને ડોક્ટર્સ વિદેશથી જાતિ-પરીક્ષણ પણ થઈ શકે એવું યંત્ર લાવ્યા હોય તે પોતાના ધંધાનું નુકશાન થવા દે નહિ. ત્યારે કરવું શું ?
જુના કાળમાં ભારતમાં ધનવાન પરિવારો પોતાના માનસપુત્રો તેમજ માનસપુત્રીઓ તૈયાર કરતા. એટલે કે સમાજના આર્થિક દૃષ્ટિએ નબળા પરિવારના સંતાનને ધનિકો પોતાનું સંતાન માનતા, તેનો આજીવન ખર્ચ પોતે આપતા તેમજ તેના સુખ-દુઃખના પ્રસંગોમાં સહભાગી પણ બનતા. આ રીતે ધનિક પરિવારો તેઓના જીવનને ભાવ-પ્રેમથી ભરી દેતા. ઘણા ધનિકોની આવા માનસપુત્રો-પુત્રીઓની સંખ્યા હજાર સુધી પહોંચતી(સગરરાજાને દસ હજાર પુત્રો હતા- એવો ઉલ્લેખ આપણને પુરાણોમાં-વેદોમાં વાંચવા મળે છે). આથી સમાજમાં આર્થિક કે ભાવનિક દૃષ્ટિએ કોઈ પ્રશ્ન રહેતો નહિ. સમાજના અનુકરણીય મહાપુરુષોએ ભારતનાં ભવ્ય ભૂતકાળમાંથી પ્રેરણા લઈને આજના ધનવાન પરિવારોને માનસપુત્રો-પુત્રીઓ રાખવા સમજાવવા જોઈએ. કામ ઘણું અઘરું છે. કારણ કે આ રીતે ધનવાનોએ કરેલા દાનની સામે તેઓને માન-પ્રતિષ્ઠા મળતા નથી. તેમજ તેઓના કાળા નાણા ધોળા થતાં નથી. વળી, આવકવેરામાં પણ કોઈ ફાયદો થતો નથી. હા, સમાજના ઘણા પરિવારોનો સાચો પ્રેમ અને ઈશ્વરના આશિર્વાદ ચોક્કસ મળે છે.
માથે ઓઢવાની પ્રથા કેવી રીતે આવી?
ઘરની વહુ સસરા કે જેઠની સામે આવતા પોતાનો ચહેરો ઢાંકે છે એ બાબત એ પુરુષો માટે સમ્માનજનક છે કે શરમજનક? શું ઘરના પુરુષોની નજર ખરાબ છે, કે વહુએ એ લોકો સામે આવતા પહેલા પોતાનો ચહેરો ઢાંકવો પડે? ખરેખર પડદાપ્રથાનું રહસ્ય આમ છે: વિદેશી આક્રમણખોરો જ્યારે ભારત પર શાસન કરતા થયા ત્યારે તેઓની વિકૃત વાસનાઓ સંતોષીને બદલામાં ધન મેળવવાની લાલચે સત્તાધીશોના દલાલો જાહેરજીવનમાં સક્રિય ભારતીય નારીને ઉઠાવીને વાસનાખોર શાસકોને સોંપી દેતા. બદલામાં બહુમૂલ્ય ભેટસોગાદો મેળવતા. આથી એ કાળે સ્ત્રીનું જાહેરજીવન ખતમ થયું. સત્તાધીશોની વાસના સંતોષવા હરામખોર દલાલો રાજકીય કામના બહાના હેઠળ ઘરના દિવાનખાના સુધી આવતા થયા અને ઘરમાં સુંદર સ્ત્રી જણાય તો તેને ઉપાડી જતા અને બાદશાહ સમક્ષ પેશ કરતા. આથી ઘરમાં પણ સ્ત્રીનું સ્થાન રસોડા પૂરતું સીમિત થઈ ગયું. આથી આ દલાલો ચાલાકી વાપરીને દીવાનખાનામાં પીવા માટે પાણી મંગાવતા. તેઓની બૂરી નજરથી બચવા ભારતીય નારી ચહેરો ઢંકાય એ રીતે સાડી પહેરીને પીવા માટે પાણી લઈ આવતી. ઘરની સ્ત્રીનો ચહેરો ઢાંકવાના બચાવમાં ઘરના વડીલો સત્તાના દલાલોને કહેતા, કે આમારા પરિવારની સ્ત્રીઓ ઘરના પુરુષો આગળ પોતાનો ચહેરો ઢાંકે છે. આ રીતે આપણે ત્યાં સ્ત્રીને માથે ઓઢવાની પ્રથા દાખલ થઈ.
લગભગ હજાર વર્ષની યાતનાઓ વેઠ્યા બાદ આઝાદ ભારતમાં નિર્ભયતાનો શ્વાસ લેતી ભારતીય નારી ફરીથી જાહેરજીવનમાં દેખાવા લાગી છે ત્યારે ભૃણહત્યા દ્વારા ઘટતી જતી નારીસંખ્યા ફરીથી તેને ઘરના દરવાજાની અંદર ધકેલી દે તો નવાઈ નહિ. કારણ કે દર હજાર પુરુષોએ આઠસો પચાસ સ્ત્રીઓ છે. એટલે કે દર હજાર પુરુષોએ દોઢસો પુરુષો આજીવન અપરિણિત રહેવાના ! ગુજરાતની પુખ્ત વસતી પાંચ કરોડની ગણીએ તો એમાં અઢી કરોડ પુરુષોની સંખ્યાએ કુલ સાડત્રીસ લાખ પચાસ હજાર પુરુષો અપરિણિત છે એમ ગણાય અને આ સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જ રહેવાનો. આવા પુરુષોની ન સંતોષાયેલી કામવાસના કોઈ ને કોઈ વિકૃત સ્વરૂપે સમાજમાં છતી થયા જ કરવાની.
સ્ત્રીઓનું જાતીય શોષણ માત્ર શાબ્દિક, ઈશારા કે છેડછાડ પૂરતું સીમિત ન રહેતા શારિરીક બળજબરી(ચુંબનથી બળાત્કાર સુધી) તેમજ ગ્રુપ-રેપિંગ સુધી પહોંચી જશે. ધોળે દિવસે રસ્તા ઉપરની ગલીઓમાં, એપાર્ટમેન્ટ કે કોમ્પ્લેક્સના લીફ્ટરૂમમાં, ઓફીસ-દુકાનમાં, ટ્રેનના ડબા કે બસમાં બળાત્કારો થતા હશે. આવા અનેક પ્રકારના જાતીય શોષણના કિસ્સાઓનું પ્રમાણ એટલું બધું વધી જશે કે સ્ત્રીનું જાહેરજીવન લગભગ અશક્ય થઈ જવાનું. આવી ભયંકર સમસ્યાનો સામનો કરવાનો ના થાય એ માટે ગર્ભમાં રહેલી બેટીને બચાવવાનું અભિયાન યુધ્ધના ધોરણે શરૂ કરવું અત્યંત જરૂરી છે.
બેટીના જન્મને વધાવવાની સાથે-સાથે બેટીને ભણાવવાની પણ અત્યંત આવશ્યકતા છે. જ્ઞાનપ્રાપ્તિ કરનાર બેટીનો આત્મવિશ્વાસ મજબૂત થાય છે. પોતાના અંગત પ્રશ્નો તેમજ પરિવારની મુશ્કેલીઓને તે આસાનીથી ઉકેલી શકે છે. રાષ્ટ્રના વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો આપી શકે છે. મહિલા સશક્તિકરણના આ યુગમાં બેટી ભણશે તો જાહેર જીવનમાં આવનારી આફતોનો સામનો કરી શકશે. કોઈને આધીન રહીને લાચાર તેમજ દયામણું જીવન જીવવાનું ત્યજીને શિક્ષણ પ્રાપ્ત કરનારી બેટી કુશળતાપૂર્વક પોતાનું જીવન જીવી શકે છે. આ જ બેટી આગળ જતાં જે પરિવારમાં લગ્ન કરીને જશે એ પરિવારને પણ સુસંસ્કૃત તેમજ સભ્ય બનાવવામાં તેમજ આવનારી પેઢીને સશક્ત તેમજ સમૃદ્ધ બનાવવામાં મદદરૂપ બની શકશે. બેટી માત્ર ઘરના કામ કરવા માટે જન્મી નથી. તેનું કાર્યક્ષેત્ર ઘર પૂરતું સીમિત રાખીને તેની શક્તિઓને કુંઠીત કરવાનો અધિકાર કોઈને નથી, તેના પરિવારજનોને પણ નહી ! વિશાળ ગગનમાં પાંખો પસારીને ઉડવા માગતી દિકરીને કેદખાનામાં કેવી રીતે કેદ રાખી શકાય ? દિકરા-દિકરીને સમાન અધિકાર પ્રાપ્ત થવા જ જોઈએ. બેટીને પણ વિશાળ કાર્યક્ષેત્ર ઉપલબ્ધ કરાવીને તેની શક્તિઓને ખીલવા દેવી જોઈએ. સમયના બદલાવની સાથે-સાથે તાલમેલ મેળવીને બેટીને શિક્ષીત કરવી એ આજના યુગની માંગ છે. પ્રેમ અને હૂંફ આપીને બેટીને બચાવીને ભણાવવી એ આપણા સૌનું કર્તવ્ય છે.
                                                                                             લેખક- શ્રી કલ્પેશભાઈ સોની 
સાભાર https:// kalpeshsoni.wordpress.com
 
No comments:
Post a Comment